Thursday, July 06, 2017

કલરકામ કરવા ઝાઝા પૈસા નહતા પણ નટ સમુદાયના યુવાનોએ કોઈપણ શરત વગર કલરકામ કરી આપવાની તૈયારી બતાવી...

વાત્સલ્ય હોસ્ટેલમાં નટ યુવાનો સાથે મિત્તલબેન
અમારા બાળકોની હોસ્ટેલમાં કલર કરાવવો પડે એમ હતો. કલરના ખર્ચ કરતા કલર કરવાનો ખર્ચ વધુ થાય. પાસે એવા પૈસા નહિ. 350 બાળકો ને સાચવવાનો તેમના ભણવા, જમવાનો ખર્ચ જ ખુબ મોટો એમાં કલર... શું કરવું? ડીસામાં રહેતા નટ યુવાનો કલર કામ કરે એનો ખ્યાલ. મેં કિશનકાકા નટ સાથે વાત કરી અને પાસે ઝાઝા પૈસા નથી. જમવા અને રહેવાની વ્યવસ્થા કરીશું એમ કહ્યું. એમણે કહ્યું બેન ચિંતા ના કરો હું છોકરાંઓને મોકલું છું. નટ યુવાનો આવ્યા, 15 દિવસથી કલરકામ કરે છે. પણ એકેય વખત પૈસાની વાત કરી નથી.
આજે હોસ્ટેલ ગઈ ત્યારે એમણે સાથે ફોટો પડાવવા કહ્યું. ને ફોટો પાડ્યો. મેં કહ્યું અમારાથી જે બનશે એ આપીશ. પણ હાલ કશું નથી. એમણે કહ્યું, ‘તમે કો ને બેન તો માથું આલી દઈએ. અને આ બધું અમારા બાળકો માટે જ તો છે. ઓછું ના લાવો...’ અદભુત છે આ લોકો અને એવો જ અદભુત છે એમના પ્રેમ.
મન છે આ યુવાનોને કામના પૈસા આપવાનું. બધું ગોઠવાશે એમ લાગે છે. બાકી એમની સાથે આપણે સૌ ફોટો પડાવીયે એવા પ્રેમાળ છે આ લોકો.
અને હા વ્યક્તિગત રીતે મેં અને મારી ટીમે આ પ્રેમ મેળવ્યો છે જેનો દુનિયાની ભાષામાં કોઈ હિસાબ નથી.

No comments:

Post a Comment